Home> Sports
Advertisement
Prev
Next

આઇપીએલ 2019: પંજાબે દિલ્હીના હાથમાંથી જીત પડાવી, આ રીતે પલટાઇ મેચ

આઇપીએલ સિઝન 12નો સૌથી રોમાંચક મુકાબલો સોમવારે જોવા મળ્યો. દિલ્હીના હાથમાં આવી રહેલી મેચ પંજાબે જાણે પડાવી લીધી. પંજાબના ખેલાડીઓએ એવું કૌતુક બતાવ્યું કે દિલ્હીએ છેવટે મેચ પંજાબને આપી દેવી પડી. 

આઇપીએલ 2019: પંજાબે દિલ્હીના હાથમાંથી જીત પડાવી, આ રીતે પલટાઇ મેચ

નવી દિલ્હી : આઇપીએલ સિઝન 12 માં પંજાબ અને દિલ્હી વચ્ચે સોમવારે રમાયેલી મેચ જાણે ઐતિહાસિક બની ગઇ. આ મેચમાં પંજાબના ખેલાડી સૈમ કરેનની હેટ્રીક સૌથી ચર્ચાસ્પદ રહી. સાથોસાથ ઋષભ પંત જે રીતે આઉટ થયો એ પણ ચર્ચામાં રહ્યું. એક સમયે દિલ્હીના હાથમાં જઇ રહેલી મેચ એકાએક જાણે પંજાબના હાથમાં આવી ગઇ. આ સિઝનની આ મેચ સૌથી રોમાંચક અને ઐતિહાસિક બની ગઇ. 

પંજાબના મોહાલીમાં આઇપીએલ સિઝન 12ની 13મી મેચમાં પંજાબની ટીમે દિલ્હીને જીત માટે 167 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. શરૂઆતથી જ મેચ જાણે દિલ્હી તરફ દેખાતી હતી. છેલ્લે સુધી એવું લાગતું હતું કે દિલ્હી મેચ જીતી જશે. પરંતુ છેલ્લી ત્રણ ઓવરમાં મેચ એ રીતે પલટાઇ કે ક્રિકેટ જગતના પંડિતો પણ મોંમાં આંગળા નાંખી ગયા. 

જીત માટે હતું સરળ લક્ષ
પંજાબે દિલ્હીનો જીત માટે આસાન કહી શકાય એવો 167 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જીત માટે મેદાનમાં ઉતરેલી દિલ્હીને ટીમને પહેલા જ બોલમાં ઝટકો લાગ્યો હતો કે જ્યારે અશ્વિને પૃથ્વી શોને વિકેટ પાછળ કે એલ રાહુલના હાથમાં કેચ પકડાવી દીધો હતો. પરંતુ દિલ્હી તરત જ ટ્રેક પર આવી ગયું હતું. શિખર ધવન (25 બોલમાં 30 રન), કેપ્ટન શ્રેયસ અય્યર (22 બોલમાં 28 રન), કોલિન ઇનગ્રામ (29 બોલમાં 38 રન) અને ઋષભ પંતની ઇનિંગને લીધે દિલ્હી જીતના ઉંબરે આવી ઉભું હતું. ટીમને જીતવા માટે 21 બોલમાં 23 રનની જરૂર હતી. આ સમયે ફોર્મમાં રમી રહેલ ઋષભ પંત (26 બોલમાં 39 રન) આઉટ થયો અને જાણે મેચ એકાએક પલટી ગઇ. 

16 ઓવર સુધી દિલ્હીનો સ્કોર ત્રણ વિકેટે 137 રન હતો. ઋષભ પંત 24 બોલમાં 33 રન સાથે રમતમાં હતો. કોલિન ઇનગ્રામ પણ 24 બોલમાં 36 રન સાથે ક્રિઝ પર હતો. જોકે 17મી ઓવરના ત્રીજા બોલ પર પંતે શમીને ડીપ મિડ વિકેટ પર સિક્સ મારી, આ સાથે દિલ્હીની ટીમ જીતની વધુ નજીક આવી હતી. ઓવરના પાંચમા બોલ પર મોહમ્મદ શમીએ પંતને બોલ્ડ કરી દીધો. જોકે આ સમયે પણ જીત દિલ્હીની કહેવાતી હતી અને પંજાબ જીતથી દૂર હતું. 

fallbacks

પરંતુ પછીના બોલ પર ક્રિસ મોરિસ રન આઉટ થયો અને ઓવરનો છેલ્લો બોલ ખાલી ગયો. આ સાથે દિલ્હીને 18 બોલ પર 23 રન કરવાના હતા. જે જોતાં હજુ મેચ દિલ્હીના હાથમાં હતી. પરંતુ એ પછી જે થયું એ દિલ્હી માટે શરમજનક રહ્યું. સૈમ કરેન 18મી ઓવર નાંખવા આવ્યો અને આ ઓવરમાં જે થયું એ કરેનને પણ કલ્પના નહીં હોય. હનુમા વિહારી અને કોલિન ઇનગ્રામે પહેલા ત્રણ બોલમાં એક એક રન લીધો. ત્યાર બાદ ઇનગ્રામ સ્ટંપ આઉટ થયો અને છેલ્લા બોલમાં હર્ષલ પટેલ વિકેટ પાછળ કે એલ રાહુલના હાથમાં ઝડપાયો. આ સાથે જ મેચ દિલ્હીથી પંજાબ તરફ ખેંચાઇ આવી. 

મોહમ્મદ શમીએ કરી કમાલ
19મી ઓવર ફેંકાવાની શરૂ કરવામાં આવી ત્યાં સુધી દિલ્હીને 12 બોલમાં 19 રન કરવાના હતા અને ચાર વિકેટ બાકી હતી. ક્રીઝ પર હનુમા વિહારી અને આવેશ ખાન હતા. મેચ બરોબર જામી હતી એવામાં મોહમ્મદ શમીએ ઓવરના ત્રીજા બોલ પર વિહારીને બોલ્ડ કર્યો પરંતુ આવેશ ખાને ચોગ્ગો લગાવી દિલ્હીની આશા કાયમ રાખી હતી. 19 ઓવર બાદ દિલ્હીને જીતવા માટે 6 બોલમાં 15 રન જરૂરી હતા. લક્ષ્ય મુશ્કેલ હતું પરંતુ અશક્ય ન હતુ. 

અંતિમ ઓવરમાં કરેન છવાયો
છેલ્લી ઓવર ફેંકવા આવેલ સૈમ કરેને ફરી જાદુ કર્યો. અગાઉની ઓવરના છેલ્લા બોલમાં હર્ષલ પટેલની વિકેટ લેનાર કરેને 19મી ઓવરના પ્રથમ બોલમાં સંદીપ લામિચાને બોલ્ડ કર્યો. આ સાથે જ પંજાબે દિલ્હીના હાથમાંથી મેચ પડાવી લીધી. સૈમ કરેનને મેન ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો.

આઇપીએલ અને અન્ય સ્પોર્ટ્સ ન્યૂઝ જાણો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More